ઈરાન: અલી ખામેનેઈના અંતિમ સંસ્કારમાં પીએમ મોદી જશે કે નહીં, ભારતની શું મૂંઝવણ છે?

ઇમેજ સ્રોત, Getty Images
ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈના અંતિમ સંસ્કાર આગામી મહિને થશે. આ વર્ષે ફેબ્રુઆરીમાં ઇઝરાયલ અને અમેરિકાના હુમલામાં તેમનું મોત થયું હતું. આ અંતિમ સંસ્કારમાં દુનિયાભરના અનેક નેતાઓ સહિત લાખો વિદેશી નાગરિકો પણ સામેલ થાય તેવી શક્યતા છે.
પાકિસ્તાની રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી અને વડા પ્રધાન શહબાઝ શરીફે ખામેનેઈની અંતિમવિધિ અને દફનવિધિમાં રાષ્ટ્રીય પ્રતિનિધિમંડળની ભાગીદારીની પુષ્ટિ કરી છે.
તો ભારતીય મીડિયામાં સમાચાર ચાલી રહ્યા છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ ઈરાને આ અંતિમવિધિમાં આમંત્રિત કર્યા છે. ઈરાને હજુ સુધી કોઈ પણ વિદેશી રાષ્ટ્રાધ્યક્ષના આમંત્રણની પુષ્ટિ નથી કરી.
જોકે તહેરાન નગરપાલિકામાં સાંસ્કૃતિક અને સામાજિક મામલાના ઉપપ્રમુખ મોહમ્મદ અમીન તવાકલિઝાદેહ અનુસાર, "4, 5, 6, 7 અને 8 જુલાઈના અલી ખામેનેઈના અંતિમ સંસ્કાર અને દફનવિધિ સમારોહમાં રાજધાની તહેરાનમાં 15થી 20 મિલિયન (દોઢથી બે કરોડ)થી વધુ લોકોની સંભવિત ભાગીદારી જોતાં તૈયારીઓ કરાઈ રહી છે."
પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા અને ધ હિન્દુ સહિત ભારતીય મીડિયા આઉટલેટ્સે 'રાજદ્વારી સૂત્રો'ના હવાલાથી જણાવ્યું કે ઈરાને મોદીને ખામેનેઈના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે આમંત્રિત કર્યા છે.
દેશમાં આ વાત પર ચર્ચા શરૂ થઈ ગઈ છે કે મોદી ઈરાન જશે કે નહીં.
જોકે ભારત સરકારે ઈરાનના ખામેનેઈના અંતિમ સંસ્કારમાં સામેલ થવા અંગે નિમંત્રણ મળ્યાની કોઈ સત્તાવાર પુષ્ટિ કે ખંડન કર્યાં નથી.
ખામેનેઈના મોત પર ભારતના મૌન પર કેવી ચર્ચા થઈ?

ઇમેજ સ્રોત, GIL COHEN-MAGEN / POOL / AFP via Getty Images
ઈરાન પર ઇઝરાયલ અને અમેરિકાના સંયુક્ત હુમલાના બે દિવસ પહેલાં ભારતીય વડા પ્રધાન મોદી ઇઝરાયલની યાત્રાએ હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ભારતે 28 ફેબ્રુઆરીએ એ હુમલામાં માર્યા ગયેલા અલી ખામેનેઈની હત્યાની નિંદા નહોતી કરી. જ્યારે પાકિસ્તાન સમેત અને દેશોએ ખૂલીને ખામેનેઈની હત્યાની નિંદા કરી હતી.
જોકે બાદમાં ભારતીય વિદેશ મંત્રાલયે ઈરાન દૂતાવાસ જઈને ખામેનેઈના મોત પર શોક-પુસ્તિકામાં હસ્તાક્ષર કરીને ભારત તરફથી શોક પ્રગટ કર્યો હતો.
કૉંગ્રેસે પણ આ મામલે ભાજપ સરકારની સખત નિંદા કરી હતી.
એક એપ્રિલના એક નિવેદનમાં કૉંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ કહ્યું હતું કે તેમની પાર્ટી "ઈરાન સામે અવૈધ યુદ્ધ અને સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈની હત્યા પર વડા પ્રધાન મોદીના અપરાધિક મૌનની નિંદા કરે છે."
કૉંગ્રેસ પ્રવક્તાએ એ પણ કહ્યું હતું કે ઈરાની દૂતાવાસ વડા પ્રધાન કાર્યાલયથી માત્ર થોડા કિલોમીટર દૂર આવેલું છે, પરંતુ તેમ છતાં મોદી ત્યાં શોક પ્રગટ કરવા માટે ન ગયા.
ભાજપ સરકારે આ આરોપો પર કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નહોતી, પણ વિદેશમંત્રી એસ જયશંકરે સાંસદોને કહ્યું કે 'ભારત શાંતિનું સમર્થક છે' અને વડા પ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાની વાતચીતમાં આ યુદ્ધને જલદી પૂરું કરવાની વિનંતી કરી છે, કેમ કે આ આખા વિશ્વની અર્થવ્યવસ્થાને પ્રભાવિત કરી રહ્યું છે.
સોશિયલ મીડિયા પર ચર્ચા - અલી ખામેનેઈના અંતિમ સંસ્કારમાં પીએમ મોદી જશે કે નહીં?

ઇમેજ સ્રોત, Firdous Nazir/NurPhoto via Getty Images
આ જ કારણે કેટલાક ભારતીય વિશ્લેષકોનું કહેવું છે કે વડા પ્રધાન મોદી ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતાના અંતિમ સંસ્કાર સામેલ નહીં થઈ શકે, જ્યારે કેટલાક તેમને ઈરાન જવાની સલાહ આપી રહ્યા છે.
ભારતે સત્તાવાર રીતે ઈરાન અને સંયુક્ત રાજ્ય અમેરિકા વચ્ચે યુદ્ધવિરામનું સ્વાગત કર્યું છે, પરંતુ કેટલાક લોકો અનુસાર, સંઘર્ષ દરમિયાન દેશની વિદેશનીતિ 'તટસ્થતા' પર આધારિત રહી.
ભારતીય વિશ્લેષક પ્રવીણ સાહનીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "વડા પ્રધાન મોદી ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈના અંતિમ સંસ્કારમાં સામેલ થશે કે નહીં, આ ભારતની વિદેશનીતિની એક મહત્ત્વની પરીક્ષા હશે, જેને વિશ્વના નેતાઓ ધ્યાનથી જોશે."
તેમણે દાવો કર્યો, "મને વિશ્વાસ છે કે મોદી તેમાં ભાગ નહીં લે (મને ખોટો સાબિત થવામાં ખુશી થશે)... કેમ કે આ સાર્વજનિક રીતે સ્વીકાર કરવામાં સાહસ જોઈએ કે ભારતની વિદેશનીતિ ખોટી હતી."
અન્ય વિશ્લેષક પણ આને ભારતની વિદેશનીતિની પરીક્ષા ગણાવી રહ્યા છે.
ડૉ. બ્રહ્મા ચેલાણીએ ઍક્સ પર એક પોસ્ટમાં લખ્યું કે આ મામલાએ "નવી દિલ્હીને એક અસામાન્ય રાજદ્વારી સ્થિતિમાં ધકેલી દીધી છે."
તેમણે લખ્યું, "એક તરફ, ફેબ્રુઆરીમાં અમેરિકા અને ઇઝરાયલના હુમલા બાદ પોતાના મૌનને લીધે ભારતને 'રાજદ્વારી ઋણ'નો સામનો કરવો પડી શકે છે, બીજી તરફ અંતિમ સંસ્કારમાં સામેલ થવાથી અમેરિકા અને ઇઝરાયલ નારાજ થઈ શકે છે."
વડા પ્રધાન મોદીની અલી ખામેનેઈના અંતિમ સંસ્કારમાં સામેલ થવાની ચર્ચા માત્ર વિશ્લેષકોમાં જ નથી થઈ રહી, પણ અનેક ભારતીય રાજનેતાઓનું પણ માનવું છે કે ભારતે આ તકે ઈરાનમાં પોતાની ભાગદારી સુનિશ્ચિત કરવી જોઈએ.
સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ એક પત્રકારના સવાલના જવાબમાં કહ્યું કે અલી ખામેનેઈના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે "વડા પ્રધાને જવું જોઈએ."
"કેમ કે વડા પ્રધાને ઇઝરાયલમાં ઊભા રહીને કહ્યું, 'હું ઇઝરાયલ સાથે ઊભો છું', માટે વડા પ્રધાને હવે ઈરાન પણ જવું જોઈએ."
"આપણી વિદેશનીતિ એ કહી રહી છે કે આપણે બધા સાથે હળીમળીને રહીએ. આપણે આપણા હિતને જોઈએ છીએ."
મોદી સરકારે આ મામલે અત્યાર સુધી મૌન સેવ્યું છે, પણ જ્યારે તેના સહયોગી શિવસેનાના પ્રવક્તા કૃષ્ણા હેગડેને આ અંગે પુછાયું તો તેમણે એ તો માન્યું કે ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને ખામેનેઈના અંતિમ સંસ્કારમાં ભાગ લેવા માટે પીએમ મોદીને બોલાવ્યા છે, પરંતુ મોદી તેમાં સામેલ થશે કે નહીં એ અંગે પૂછતા તેમણે કહ્યું, "કહેવાઈ રહ્યું છે કે દુનિયાભરનાં પ્રતિનિધિમંડળ એ કાર્યક્રમમાં સામેલ થશે, પરંતુ ભારત તેમાં જશે કે નહીં એ આદરણીય વડા પ્રધાનજી નક્કી કરશે. આ તેમનો સર્વોચ્ચ અધિકાર છે. અમે આ અંગે કશું ન કહી શકીએ."
અનેક પુસ્તકો લખનાર લેખિકા સબા નકવી કહે છે,"હાલના શાંતિના પ્રયાસોમાં પોતાની ભૂમિકા બાદ પાકિસ્તાન પોતાને ઇસ્લામી દુનિયામાં એક પ્રમુખ ખેલાડી તરીકે રજૂ કરી રહ્યું છે. પરંપરાગત રીતે ઈરાનનું ભારત પ્રત્યે હંમેશાં નરમ વલણ રહ્યું છે."
"પરંતુ ઇઝરાયલી વડા પ્રધાન નેતન્યાહૂ સાથેના આપણા સંબંધોને કારણે આપણે સ્થિતિને વધુ બગાડી નાખી છે."
તેમણે સરકારને સલાહ આપી કે "જો ઈરાન પરથી આર્થિક પ્રતિબંધ ખસેડી લેવાય તો ઈરાનમાં આપણા માટે વાણિજ્યિક અને માનવીય તકો પણ ઉત્પન્ન થઈ શકે છે."
અન્ય વિશ્લેષકો પણ આને ભારતની વિદેશનીતિની પરીક્ષા ગણાવી રહ્યા છે.
અલી ખામેનેઈના અંતિમ સંસ્કારની તૈયારીઓ

ઇમેજ સ્રોત, Getty Images
ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતાના અંતિમ સંસ્કાર માટે ચાર દિવસના સમારોહની જાહેરાત કરાઈ છે.
સરકારી પ્રવક્તા ફાતિમા મહાજિરાની અનુસાર, મંત્રીમંડળે તહેરાન પ્રાંતમાં 4 અને 5 જુલાઈએ જાહેર રજાને મંજૂરી આપી છે, જ્યારે 6 જુલાઈએ આખા દેશમાં જાહેર રજા રહેશે, જેથી દેશભરના લોકો અલી ખામેનેઈના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શકે.
કાર્યક્રમ અનુસાર, 4 અને 5 જુલાઈએ તહેરાનમાં એક 'વિદાય સમારોહનું આયોજન થશે, બાદમાં 6 જુલાઈએ તહેરાનમાં અને 7 જુલાઈએ કોમમાં જુલૂસ નીકળશે.
અલી ખામેનેઈના અંતિમ સંસ્કાર 9 જુલાઈએ મશહદસ્થિત ઇમામ રઝા તીર્થસ્થળે થશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















