ગુજરાતમાં વીજળી પડવાથી કેટલા લોકોનાં મૃત્યુ અને કેટલું નુકસાન થયું?

વીડિયો કૅપ્શન,
ગુજરાતમાં વીજળી પડવાથી કેટલા લોકોનાં મૃત્યુ અને કેટલું નુકસાન થયું?
પ્રકાશિત

વેસ્ટર્ન ડિસ્બર્ન્સને પગલે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ચાલુ થઈ ગયો છે. અમદાવાદ, સુરત, રાજકોટમાં જોરદાર વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ ચાલુ થઈ ગયો છે.

રાજ્યમાં વીજળી પડવાથી મનુષ્યો અને પશુઓના મૃત્યુ થવાના સમાચાર પણ મળી રહ્યા છે. જાફરાબાદના રોહીસા ગામે વીજળી પડવાથી યુવકનું મોત નીપજ્યું છે. ખેડૂત પિતાના ખેતરમાં કપાસ પલળી ના જાય તે માટે તેના ઉપર પ્લાસ્ટિક ઢાંકવા જતા 17 વર્ષીય યુવક ઈજાગ્રસ્ત થયો હતો. ગંભીર હાલતમાં તેને સરકારી દવાખાને ખસેડાયો પરંતુ યુવકનું મોત થયું.

વીજળી પડવાથી યુવકના શરીર પર દાઝી જવાની ઈજાનાં નિશાન હતાં. તેમના પિતાનું કહેવું છે કે થોડીવાર સુધી વીજળીના ચમકારામાં તે જોઈ ના શક્યા તે તેમનો પુત્ર ક્યાં છે પરંતુ પછી તેમને તે બેભાન અવસ્થામાં મળ્યો હતો.

અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના 22 વર્ષીય રાકેશભાઈ ધરેજીયા નામના યુવાન હેબતપુર રોડ પર બાઇક ચલાવીને જઈ રહ્યા હતા. એવામાં તેમના પર વીજળી પડતાં તેમનું પણ મોત થયું છે. તેમના પર વીજળી પડતાં 108ને સહારે તેમને બરવાળા આરોગ્ય કેન્દ્ર લઈ જવાયા પરંતુ ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના ભાણેજડા ગામની સીમમાં પણ વીજળી પડતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે તથા ચાર પશુઓ પણ મોતને ભેટ્યાં છે, બનાસકાંઠાના વાવના મોરખા ગામે પણ વીજળી પડતાં એક બાળકીનું મોત થયું છે. ઉપરાંત ખેતરો ઘરોને વીજળી પડતાં નુકસાન થયું હોવાના પણ સમાચાર છે, અમુક ઘરોમાં વીજ ઉપકરણો પણ બળી ગયાં છે.

વરસાદી માહોલ વચ્ચે જ્યારે ગરમ અને ભેજવાળી હવાઓનું મિલન થાય ત્યારે મુખ્યત્વે વીજળી પડતી હોય છે એવામાં ઘરની બહાર ન નીકળવાની સલાહ નિષ્ણાતો આપતા હોય છે. કોઈ ખુલ્લાં મેદાન, ઊંચી જગ્યા, વૃક્ષો કે પાણી ભરેલી જગ્યા નજીક પણ જવાનું હિતાવહ હોતુ નથી. જેમાં ધાતુના ભાગ હોય તેવી વસ્તુના સંપર્કમાં પણ ન આવવું જોઈએ. મોટાભાગે ઘરની અંદર જ રહેવું હિતાવહ છે.

વરસાદ
ઇમેજ કૅપ્શન, વીજળી પડવાને કારણે ગુજરાતમાં કેટલાંક સ્થળો પર લોકોના મૃત્યુના અહેવાલ છે
બીબીસી
બીબીસી