તેજ વાવાઝોડા બાદ સર્જાયું નવું વાવાઝોડું, કયા વિસ્તારો પર કરશે અસર, ગુજરાતમાં બદલાશે હવામાન?

વીડિયો કૅપ્શન, તેજ વાવાઝોડા બાદ સર્જાયું નવું વાવાઝોડું, ગુજરાતમાં બદલાશે હવામાન?
તેજ વાવાઝોડા બાદ સર્જાયું નવું વાવાઝોડું, કયા વિસ્તારો પર કરશે અસર, ગુજરાતમાં બદલાશે હવામાન?
પ્રકાશિત

ભારતના દરિયામાં તેજ વાવાઝોડા બાદ ફરી એક નવું વાવાઝોડું બની ગયું છે અને એ પણ વધારે ખતરનાક બને તેવી શક્યતા દેખાઈ રહી છે.

અરબી સમુદ્રમાં બનેલું અતિ ભીષણ તેજ વાવાઝોડું યમન પર ત્રાટક્યું છે અને જ્યારે વાવાઝોડું દરિયાકાંઠે ટકરાયું ત્યારે પવનની ગતિ 135 કિમીથી 150 કિમી પ્રતિકલાક જેટલી હતી.

યમનની ધરતી પર પહોંચ્યા બાદ આ વાવાઝોડું હવે નબળું પડશે અને આજ સાંજ સુધીમાં તે ડિપ્રેશનમાં ફેરવાઈ જાય તેવી શક્યતા છે. આ વાવાઝોડાને કારણે સૌથી વધારે નુકસાન યમનને થયું છે જ્યારે પાડોશી દેશ ઓમાનમાં પણ તેની અસર થઈ છે.

તેજ વાવાઝોડું વિખેરાય એ પહેલાં જ બીજું વાવાઝોડું સર્જાઈ ગયું છે અને હવામાન વિભાગનું કહેવું છે કે આ વાવાઝોડું પણ ભીષણ ચક્રવાતમાં ફેરવાય તેવી પૂરી સંભાવના છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલા આ વાવાઝોડાનું નામ હમૂન રાખવામાં આવ્યું છે અને હનૂમ નામનું આ વાવાઝોડું ભારતના દરિયાકિનારા પર ત્રાટકે તેવી સંભાવના ઓછી છે.

જોકે, તે દેશના કેટલાંક રાજ્યોને અસર કરે તેવી સંભાવના દેખાઈ રહી છે. ઓડિશા તથા પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે તેની અસર જોવા મળી રહી છે. કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે તો કેટલાક વિસ્તારોમાં તેના કારણે ભારે પવન ફૂંકાય તેવી સંભાવના છે.

આ હમૂન વાવાઝોડું બંગાળની ખાડીમાં આગળ વધતાની સાથે હજી પણ મજબૂત બનશે અને તે વેરી સિવિયર સાયક્લૉન બનશે એટલે કે તે અતિ ભીષણ ચક્રવાત બની જશે.

હાલની સ્થિતિ પ્રમાણે તે વધારે તાકતવર બનશે ત્યારે પવનની ગતિ પ્રતિકલાકના 135 કિમી સુધી પહોંચે તેવી સંભાવના દેખાઈ રહી છે. જોકે આ વાવાઝોડું બાંગ્લાદેશના દરિયાકિનારા પર ત્રાટકે તેવી સંભાવના છે.

ગુજરાતમાં હવે હવામાન પલટાશે?

વાવાઝોડું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તેજ વાવાઝોડું યમન પર પહોંચ્યું

તેજ વાવાઝોડું યમન પર પહોંચી ગયું છે અને બંગાળની ખાડીમાં બીજું વાવાઝોડું બની ગયું છે પરંતુ આ બંનેમાંથી એક પણ વાવાઝોડાની ગુજરાતને સીધી અસર થવાની નથી.

ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં હાલ હવામાન શુષ્ક રહેશે અને આવનારા પાંચ દિવસ સુધી વરસાદની કોઈ સંભાવના નથી. રાજ્યમાં ગરમીનો પારો ઊંચો રહે તેવી સંભાવના છે.

સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત તથા દક્ષિણ ગુજરાતમાં પણ દિવસ દરમિયાન ગરમી રહેશે અને રાત્રી દરમિયાન થોડું તાપમાન નીચું જાય તેવી સંભાવના છે.

હાલ રાજ્યમાં હજી ઉત્તરમાંથી આવાતા ઠંડા પવનનોની શરૂઆત થાય તેવી શક્યતા ઓછી છે. ઘણા વિસ્તારોમાં હજી પણ અરબી સમુદ્ર પરથી પવનો આવશે એટલે કે હજી રાજ્યમાં ઠંડીની શરૂઆત થવાની શક્યતા ઓછી છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલું હમૂન વાવાઝોડું પવનો તેની તરફ ખેંચી રહ્યું હોવાથી ઉત્તર ભારતમાં ઉત્તર તરફથી પવનનો આવી રહ્યા છે પરંતુ તે વાવાઝોડું બાંગ્લાદેશ પર પહોંચી ગયા બાદ આ પવનો ફરી બદલાશે.