એક તરફ ‘પવન ફૂંફાતો હતો’ અને બીજી તરફ અસરગ્રસ્ત વિસ્તારોમાં સેંકડો ઘરે પારણાં બંધાયાં

ગુજરાતે તાજેતરમાં બિપરજોય વાવાઝોડાના પડકારનો સામનો કર્યો હતો.
સરકારી તંત્ર દ્વારા અસરગ્રસ્ત જિલ્લામાંથી હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યાનો દાવો કર્યો હતો. આ લોકોમાં કેટલી સગર્ભા મહિલાઓ પણ સામેલ હતી.
આવાં એક મહિલા છે સીતાબહેન.
એક તરફ ગુજરાતના કાંઠા વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડું કેર વરતાવી રહ્યું હતું બરાબર એ જ સમયે દ્વારકાનાં સીતાબહેનના ઘરે પારણું બંધાયું હતું.
સીતાબહેનની પ્રસૂતિને થોડા સમયની જ વાર હતી. આખરે 15 જૂને તેમનું બાળક કોઈ પણ જાતની મુશ્કેલી વગર દુનિયામાં અવતર્યું હતું.
ડૉક્ટરની સલાહ પ્રમાણે સીતાબહેન છ દિવસ પહેલાં જ ડિલિવરી માટે હૉસ્પિટલમાં દાખલ થઈ ગયાં હતાં.
સીતાબહેનની જેમ જ રાજ્ય સરકારે આપેલી માહિતી પ્રમાણે સમગ્ર રાજ્યમાં સલામત સ્થળે ખસેડાયેલી 707 ગર્ભવતી સ્ત્રીઓની પ્રસૂતિ વાવાઝોડા સમયે સુરક્ષિતપણે થઈ હતી.
તમામ વ્યવસ્થા છતાં કેટલીક મહિલાઓએ ઇમર્જન્સીમાં હૉસ્પિટલે આવવું પડ્યું હતું. પરંતુ ડૉક્ટરોની સાવચેતી, પરિવારોની સૂઝ અને કેટલીક હદે તંત્રના પ્રયાસોને પગલે કોઈ પણ જાતના અવરોધ વગર ઘણાં ઘરોમાં પારણાં બંધાયાં હતાં.
જુઓ વાવાઝોડાની મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે સેંકડો પરિવારો માટે ‘પ્રસન્નતાનું પુષ્પ’ ખીલવાની કહાણી, માત્ર બીબીસી ગુજરાતી સાથે.





