'મને એ વાતનું દુ:ખ છે કે...' ગેનીબહેને જીત બાદ આવું કેમ કહ્યું?
જ્યારથી ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી પરિણામ સુધી સૌની નજર ગુજરાતની બનાસકાંઠા બેઠક પર હતી.
બનાસકાંઠાથી કૉંગ્રેસનાં ઉમેદવાર ગેનીબહેન ઠાકોરે વિજય મેળવ્યો છે અને ભાજપનાં ઉમેદવાર ડૉ. રેખાબહેન ચૌધરીને હરાવ્યાં છે.
આ સાથે જ ગુજરાતમાં ભાજપનું 26માંથી 26 બેઠકો ત્રીજી વખત જીતવાનું ભાજપનું સ્વપ્ન ગેનીબહેને પૂર્ણ થવા દીધું નથી.
ગેનીબહેન સતત પોતાની જીત પાછળ લોકોનો આભાર માનતાં કહે છે કે લોકોએ જ તેમને મદદ કરી છે, તેમના વતી ચૂંટણી લડી છે.
તેમણે કહ્યું, "બનાસકાંઠા મતદારો, સામાજિક અને રાજકીય આગેવાનોએ પ્રેમ, સ્નેહ અને લાગણી સાથે જાણે આ ચૂંટણી પોતે લડતા હોય તે રીતે પાર કરી ."
ચૂંટણીના મુદ્દાઓ વિશે ગેનીબહેને કહ્યું, "સત્તાનું વિકેન્દ્રીકરણ હોવું જોઈએ. અમે કોઈ પણ પ્રકારના અન્યાય સામે લડીશું. કોઈ વ્યક્તિ દુ:ખી ભાવે જ્યારે અમારી પાસે આવે અને તેમની વાત વ્યાજબી હોય તો નફા-નુકસાનને જોયા વગર અમે તેમની સાથે રહીને લડીશું."
તેમણે ઉમેર્યું કે, "હું સમગ્ર બનાસકાંઠા જીલ્લાના લોકોને ખાતરી આપું છું કે તમારી બહેન તમારી સાથે છે. તમારા સુખ-દુ:ખમાં સાથે જ છું અને તમે કોઈ વચન આપીને આવ્યા હોય તો તે વચનો પૂરાં કરવાનો પણ હું પ્રયત્ન કરીશ. હું બનાસકાંઠાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું."

‘બનાસની બહેન ગેનીબહેન’

ઇમેજ સ્રોત, GENIBEN THAKOR MLA/FB
બનાસકાંઠાથી કૉંગ્રેસનાં ઉમેદવાર ગેનીબહેન ઠાકોરે વિજય મેળવ્યો છે અને ભાજપનાં ઉમેદવાર રેખાબહેન ચૌધરીને હરાવ્યાં છે.
ગેનીબહેને ભાજપનાં ઉમેદવારને 33 હજાર કરતાં પણ વધુ મતોથી હરાવી દીધાં છે.
આ સાથે જ ગુજરાતમાં ભાજપનું 26માંથી 26 બેઠકો ત્રીજી વખત જીતવાનું ભાજપનું સ્વપ્ન ગેનીબહેને પૂર્ણ થવા દીધું નથી.
ઉમેદવાર તરીકે જાહેર થયાં બાદ ગેનીબહેને તેમના ચૂંટણીપ્રચારમાં ‘બનાસની બહેન ગેનીબહેન’ સૂત્રનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. ગેનીબહેન અનુસાર, આ સૂત્ર લોકોએ જ આપ્યું હતું અને પ્રચલિત થઈ ગયું હતું.
સમગ્ર ચૂંટણીપ્રચાર દરમિયાન ગેનીબહેન ઠાકોર તેમના ક્રાઉડફંડિંગને કારણે પણ ચર્ચામાં આવ્યાં હતાં.
સતત સોશિયલ મીડિયા પર તેમને વડીલો આશીર્વાદ સાથે પૈસા આપતાં હોય તેવાં દૃશ્યો વાઇરલ થયાં હતાં.
ગેનીબહેને દાવો કર્યો હતો કે તેમને ચૂંટણીપ્રચાર માટે એક પણ રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો નથી તથા ગાડીમાં પેટ્રોલ પણ પુરાવવું પડ્યું નથી.
ચૂંટણીપ્રચાર દરમિયાન તેઓ સતત આ પ્રજા તરફથી મળી રહેલા પૈસાને ‘મામેરું’ ગણાવતાં વારંવાર કહ્યું હતું કે બનાસકાંઠાની પ્રજા સતત મને આશીર્વાદ આપી રહી છે અને મામેરું ભરી રહી છે.
ઉત્તર ગુજરાતના રાજકારણ પર નજર રાખનાર રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકરે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે, "મામેરું ભરવાની વાત, બનાસની બહેનનું સૂત્ર, ક્રાઉડફંડિગ વગેરેના માધ્યમથી ગેનીબહેને એક સંવેદનાસભર માહોલ તેમની તરફે સર્જ્યો હતો. શંકર ચૌધરીનું પ્રભુત્વ, ડેરીનું સંગઠન તથા ભાજપનું સંગઠન એમ તમામ મોરચે ગેનીબહેને ટક્કર આપી અને ભાજપ સામે વિજય મેળવ્યો છે."



