બનાસકાંઠા : સંતાનોએ લાખોના ખર્ચે જીવિત પિતાની આબેહૂબ મૂર્તિ કેમ બનાવી?
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ચડોતર ગામમાં બે દીકરાઓ પિતાની આબેહૂબ મૂર્તિ બનાવી ભગવાનની જેમ તેમની પૂજા કરે છે.
તેમના પિતા હયાત છે. આજના સમયમાં સંતાનો દ્વારા માતાપિતાને તરછોડવાની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે આ કિસ્સામાં સંતાનોનો પ્રેમ અલગ તરી આવે છે.
હસમુખભાઈ અને તેમનો પરિવાર ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલો છે. તેમણે તેમના પિતા રાયસંગભાઈની આબેહૂબ પ્રતિમા તૈયાર કરાવીને તેને ખેતરમાં સ્થાપિત કરી છે. રાયસંગભાઈ હજી જીવિત છે અને તંદુરસ્ત છે.
પિતાની પ્રતિમા તૈયાર કરવા વિશે હસમુખભાઈ કહે છે,"કોઈ પથ્થરનાં દેવી-દેવતાના પગે પડે અને ભગવાન આગળ ઊંધા પડી-પડીને નમે અને ઘરે જઈને માંબાપને દુખી કરે તો આવી ભક્તિનો કોઈ અર્થ નથી."
"મને તો મારાં માતા-પિતા જ ભગવાન લાગ્યા છે."
મૂર્તિનો બનાવવાનો વિચાર ક્યાંથી આવ્યો?

જયારે બીબીસીએ હસમુખભાઈને પૂછ્યું કે આવો મૂર્તિ બનાવવાનો વિચાર ક્યાંથી તેમને ક્યાંથી આવ્યો તો તેમણે કહ્યું, "અમે મોબાઇલમાં અમદાવાદના એક ભગતની મૂર્તિ જોઈ હતી. એ જોયા બાદ અમને એવો વિચાર આવ્યો કે અમારે પણ અમારા બાપાની આવી જ મૂર્તિ બનાવડાવવી છે."
તેઓ વધુમાં જણાવે છે કે, "સૌથી સારી મૂર્તિ કોણ બનાવે છે તે વિશે જાણવા મેં પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે મૂર્તિ બનાવવાના ઉત્તમ કારીગરો ઉદયપુરમાં છે. તેથી હું મારા બાપાને લઈને ઉદયપુર ગયો."
હસમુખભાઈ જણાવે છે કે તેમણે કારીગરોને કહ્યું કે તેમને તેમના બાપાની હૂબહૂ મૂર્તિ બનાવવી છે. કારીગરોએ તેમને તેવી જ મૂર્તિ બનાવી આપી.
આ મૂર્તિ તૈયાર થવામાં આશરે છ મહિનાનો સમય લાગ્યો અને તેની પાછળ ચાર લાખ રૂપિયા જેટલો ખર્ચ થયો છે.
તેઓ કહે છે કે, "મારા માં-બાપે એટલું બધું આપ્યું છે અને અમારા માટે એટલું બધું કર્યું છે તો તેમના માટે અમે આટલું તો કરી જ શકીએ."
રાયસંગભાઈ તેમનાં સંતાનો વિશે શું કહે છે?

હસમુખભાઈના પિતા રાયસંગભાઈ પણ તેમના સંતાનો જે પ્રકારે તેમની સારસંભાળ લેવાની સાથે સાથે તેમને સંમાન આપે છે તેનાથી સંતોષ અને આનંદ અનુભવે છે.
તેમણે કહ્યું, "મારાં સંતાનોએ કહ્યું હતું કે મારા મર્યા બાદ તેઓ શું કરે છે તે તો હું જોઈ નહીં શકું. એ વિચારીને તેમણે મારી જીવતે જીવ મૂર્તિ બનાવવાનું નક્કી કર્યું."
"મારી મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરતી વખતે ત્રણથી ચાર હજાર લોકોનો જમણવાર કર્યો હતો. આ ઉપરાંત, દર વર્ષે મારા સંતાનો મારા નામનો જમણવાર કરે છે."
"તેમણે મારું જીવતા જગતિયું કર્યું હતું અને ત્યારે પણ 10-11 ગામોને જલો (જમણવાર) કર્યાં હતાં."
હસમુખભાઈનાં માતા ગંગાબહેન કહે છે, "ઘણા લોકોનાં સંતાનો માં-બાપને મૂકીને બીજે રહેવા જતા રહે છે. પરંતુ મારાં સંતાનો અને વહુઓ અમારી ખૂબ જ સેવા કરે છે, જેનો મને ખૂબ જ આનંદ છે."
હસમુખભાઈ વધુમાં કહે છે કે, "મેં તેમને આખા ભારતની જાત્રા કરાવી છે. આ સિવાય મારો સમગ્ર પરિવાર મારાં માતાપિતા અમને જેમ કહે તે રીતે એમની સેવા કરે છે."



