ગુજરાતના વિવિધ જિલ્લામાં માવઠું, હજી કેટલા દિવસ વરસાદની આગાહી?

પ્રકાશિત

હવામાન વિભાગે રાજ્યમાં બે દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરી છે અને તેની અસર સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વર્તાઈ રહી છે.

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી ઉનાળાની વચ્ચે ચોમાસા જેવું વાતાવરણ અનુભવાઈ રહ્યું છે અને કમોસમી વરસાદને કારણે હજારો ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે.

સામાન્ય રીતે ગુજરાતમાં માર્ચ મહિનામાં આટલો વધારે કમોસમી વરસાદ જોવા મળતો નથી. રાજ્યમાં માર્ચ મહિનામાં સરેરાશ 0.2 મીલિમીટર વરસાદ થતો હોય છે. જોકે, આ વર્ષે 30 માર્ચ સુધીમાં રાજ્યમાં 13.4 મીલિમીટર વરસાદ પડી ચૂક્યો છે.

ગુજરાતમાં ઉનાળામાં કેમ વરસાદ પડી રહ્યો છે?

ગુજરાત હવામાન

ઇમેજ સ્રોત, Getty Images

માર્ચથી મે મહિના સુધી ભારતમાં પ્રિ-મૉન્સુન સિઝનની શરૂઆત થતી હોય છે, એટલે કે આ ત્રણ મહિનાના ગાળામાં પડતા વરસાદને ચોમાસા પહેલાંનો વરસાદ ગણવામાં આવે છે. જૂન મહિનાથી દેશમાં ચોમાસાની શરૂઆત થઈ જતી હોય છે. કેરળથી દેશમાં ચોમાસું શરૂ થાય છે અને પછી ભારતના અન્ય વિસ્તારો સુધી પહોંચે છે.

આ વર્ષ સતત બનેલી હવામાનની સિસ્ટમોને કારણે ઉનાળામાં વરસાદ પડી રહ્યો છે. ભારત પર આ વર્ષે સતત આવી રહેલાં ઍક્ટિવ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સે આમાં સૌથી મોટો ભાગ ભજવ્યો છે.

ભૂમધ્ય સમુદ્રમાંથી સર્જાતી આ સિસ્ટમ સીરિયા, ઇરાક, ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન પરથી ભારત સુધી પહોંચે છે. રસ્તામાં આ સિસ્ટમને કોઈ ઊંચા પહાડોનો અવરોધ નડતો નથી પરંતુ જમ્મુ-કાશ્મીર પર આવતાંની સાથે જ હિમાલયનો અવરોધ નડે છે.

આ  વર્ષે સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતાં રહ્યાં, એક બાદ એક, એમ ઉપરા-ઉપરી આ સિસ્ટમો આવતાં ગુજરાત સહિત દેશના અન્ય વિસ્તારોમાં વરસાદ પડતો રહ્યો.

આ સિસ્ટમની સાથે-સાથે સાયક્લૉનિક સર્ક્યુલેશન અને એન્ટી-સાયક્લોન જેવી સિસ્ટમો પણ બની. જેના કારણે વરસાદના વિસ્તારમાં વધારો થયો હતો.

અરબી સમુદ્રમાં બનેલા એન્ટિ-સાયક્લૉન અને રાજસ્થાન પર બનેલા સાયક્લૉનિક સર્ક્યુલેશનને કારણે અરબી સમુદ્ર પરથી આવતા પવનો ભેજ લઈને ગુજરાત પર પહોંચતા હતા. જેના કારણે રાજ્યમાં સતત વરસાદ થયો હતો.

હાલ પણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારત પર પહોંચ્યું છે અને તેની સાથે રાજસ્થાન પર એક સાયક્લૉનિક સર્ક્યુલેશન છે. જેના કારણે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે.

ગુજરાત હવામાન આગાહી

ગુજરાતમાં કમોસમી વરસાદ કેટલા દિવસ સુધી પડશે?

ગુજરાતમાં 30 માર્ચના રોજ બનાસકાંઠા, પાટણ, કચ્છ, અમરેલી સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. રાજ્યમાં હજી પણ એકાદ દિવસ વરસાદ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે.

31 માર્ચના રોજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે. દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે.

રાજ્યમાં હાલ કમોસમી વરસાદનો રાઉન્ડ લગભગ બે દિવસ ચાલે તેવી શક્યતા દેખાઈ રહી છે. જે બાદ વરસાદ બંધ થઈ જવાનું અનુમાન છે.

ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ કરતાં અનેકગણો વરસાદ માર્ચ મહિનામાં થયો છે. આવું સામાન્ય રીતે ઘણાં વર્ષોથી ગુજરાતમાં જોવા મળ્યું નથી. વરસાદને કારણે રાજ્યમાં ગરમી વધતી અટકી ગઈ છે પરંતુ એવું અનુમાન છે કે વરસાદ બંધ થતાંની સાથે ફરીથી ગરમીનો પારો ઊંચે ચડશે.

ગુજરાત હવામાન આગાહી

રાજ્યમાં ખેડૂતોને નુકસાન, સરકારે સહાય અંગે શું કહ્યું?

ગુજરાત હવામાન આગાહી

ઇમેજ સ્રોત, Getty Images

કમોસમી વરસાદને કારણે રાજ્યના હજારો ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ગુજરાતમાં કમોસમી વરસાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે ખેડૂતોને રવી પાકની લણણી કરવાની હતી.

જીરું,  વરિયાળી, ઘઉં, ચણા, ધાણા, રાયડો સહિતના રવી પાકોને ખૂબ નુકસાન થયું છે. આ સિવાય ગુજરાતમાં સૌથી લોકપ્રિય કેરીને પણ કમોસમી વરસાદને કારણે વધારે નુકસાન થયું છે.

ખેડૂતોને થયેલા નુકસાન અંગે રાજ્ય સરકાર સર્વે કરાવી રહી છે અને જે જિલ્લાઓમાં નક્કી કરેલા નિયમો પ્રમાણે નુકસાન થયું હશે તેમને સર્વે બાદ સહાય મળી શકે છે.

કૃષિમંત્રી રાઘવજી પટેલે વિધાનસભામાં જાણકારી આપતાં કહ્યું હતું કે રાજ્યના 16 જિલ્લાઓમાં સર્વેની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. ભાજપના જ ધારાસભ્યોએ વિધાનસભામાં કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે સવાલ ઉઠાવ્યો હતો. જેના જવાબમાં રાઘવજી પટેલે આ જાણકારી આપી હતી.

1 એપ્રિલથી રાજ્યમાં હવે કમોસમી વરસાદ બંધ થવાની શક્યતા છે. જે ખેડૂતો માટે રાહતના સમાચાર છે. 

Redline
Redline