એશિયા કપમાં ભારતની જીત : સિરાજની એ ઓવર જેણે મૅચની શરૂઆતમાં જ શ્રીલંકાની હારનો પાયો નાખી દીધો

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અર્ણવ વસાવડા
- પદ, બીબીસી ગુજરાતી
- પ્રકાશિત
કોલંબોનું આર. પ્રેમદાસા સ્ટેડિયમ એશિયા કપની એક બ્લૉકબસ્ટર ફાઇનલ મૅચનું સાક્ષી બની રહ્યું છે. એશિયા કપની ફાઇનલમાં શ્રીલંકાએ ટૉસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય કર્યો, મૅચ હતી 50 ઓવરની, પીચ હતી સ્પિનર્સને મદદ કરે એવી, પરંતુ મૅચ શરૂ થઈ અને 15 ઓવરમાં શ્રીલંકાના દસ બૅટ્સમૅન 51 રન પણ ન નોંધાવી શક્યા. ભારતે સાતમી ઓવરમાં જીત માટે જરૂરી 51 રન નોંધાવી આ મુકાબલો પોતાને નામ કરી લીધો છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે નવમી વખત એશિયા કપ ફાઇનલ રમાઈ રહી છે. આ પ્રથમ વખત હશે કે 22 ખેલાડી મેદાન ઉપર 50-50 ઓવર રમવા ઊતર્યા, પરંતુ બેટિંગ કરનારી ટીમના 11 ખેલાડી 50 રનમાં જ પેવેલિયન ભેગા થઈ ગયા અને મૅચ 50 ઓવર તો દૂર 20 ઓવર સુધી પણ ન રમાઈ શકી.
એશિયા કપ ટૂર્નામૅન્ટની ફાઇનલનો પ્લૅયર ઑફ ધ મૅચનું પુરસ્કાર મોહમ્મદ સિરાજના નામે રહ્યું, એટલું જ નહીં તેમણે પોતાનો પુરસ્કારની રાશી ત્યાં હાજર ગ્રાઉન્ડ મૅનની ટીમને આપી દીધી. તેમના મતે જો ગ્રાઉન્ડને સંભાળનાર લોકો ન હોત તો આ ટૂર્નામૅન્ટ થવી શક્ય ન હોતી.
ભારતના ઑલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાને કૅચ ઑફ મૅચનું પુરસ્કાર મળ્યું, તો ભારતના સ્પિનર કુલદીપ યાદવને એશિયા કપ પ્લૅયર ઑફ ધ સિરિઝનું પુરસ્કાર મળ્યું. આપને જણાવી દઈએ કે કુલદીપ યાદવે ભારત તરફથી રમતા આ ટૂર્નામૅન્ટમાં નવ વિકેટ ઝડપી જેમાં પાકિસ્તાન સામેની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
ટૉસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરનારા શ્રીલંકાએ ખૂબ જ નબળી શરૂઆત કરી અને પછી એ ઊભી જ ન થઈ શકી.
જોકે શ્રીલંકાની શરૂઆત નબળી રહી એના કરતાં એમ કહેવાય કે ભારતના મોહમ્મદ સિરાજે પ્રારંભિક ઓવરોમાં જ તરખાટ મચાવીને સાત ઓવરમાં 6 વિકેટો ઝડપી લીધી. જે તેમની કારકિર્દીનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ દેખાવ બની રહ્યો. એટલું જ નહીં આ મૅચ સાથે તેમની કારકિર્દીની 50 વિકેટો પણ નોઁધાવી દીધી છે.
સાથે જસપ્રિત બુમરાહે પણ એક વિકેટ ઝડપી તો હાર્દિક પંડ્યાએ પણ 3 વિકેટ પોતાને નામ કરી અને શ્રીલંકાની ટીમ 16મી ઓવરમાં દસ વિકેટો ખોઈને માત્ર 50 રન કરી સંકેલાઈ ગઈ.

હૅટ્રિક ભલે ન કરી શક્યા પણ ચાર વિકેટ પાડી દીધી

ઇમેજ સ્રોત, Getty Images
ભારત તરફથી જસપ્રિત બુમરાહે પહેલી જ ઓવરમાં વિકેટ લઈ ભારતને સારી શરૂઆતની આશા આપી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જોકે, ચોથી ઓવરમાં જ્યારે શ્રીલંકાનો સ્કોર માત્ર 8 રને એક વિકેટ પર હતો, ત્યારે મોહમ્મદ સિરાજ બૉલિંગ કરવા આવ્યા અને જાણે સિરાજના વાવાઝોડામાં અડધી શ્રીલંકાની વિકેટો પડવા લાગી. એ ઓવરનો ચિતાર નીચે વર્ણવ્યો છે.
3.1 : ચોથી ઓવરના પહેલા જ બૉલમાં તેમણે પાથુમ નિસ્સાનક્કાને બે રનના વ્યક્તિગત સ્કોર પર રવિન્દ્ર જાડેજાના હાથે કૅચ કરાવી દીધા અને શ્રીલંકાની બીજી વિકેટ ઝડપી.
3.2 : શ્રીલંકાના સદીરા સમરવિક્રમા હવે ક્રિઝ પર હતા સિરાજે લૅન્થ બૉલ નાખ્યો જે બહારની તરફ ગયો અને એક પણ રન ન આવ્યો.
3.3 : ત્રીજા બૉલમાં સદીરા સમરવિક્રમાને શૂન્ય રને એલબીડબ્લ્યૂ આઉટ કર્યા.
3.4 : અને પછીના બૉલે સમરવિક્રમાને સ્થાને મેદાન પર આવેલા ચરિથ અસાલંકાને પણ તરત જ શૂન્ય રને ઇશાન કિશનના હાથમાં કૅચ ઝડપાવીને આઉટ કર્યા.
ત્યારબાદ પાંચમાં બૉલમાં કંઈક અલગ જ ઘટના ઘટી.
હૅટ્રિક બૉલ હતો અને પાવર પ્લે ચાલતો હતો એટલે 30 યાર્ડ સર્કલની બહાર લૉન્ગ ઓનમાં કોઈ ફિલ્ડર હતો નહીં.
3.5 એ સમયે શ્રીલંકાના ધનંજય ડીસીલ્વાએ લૉન્ગ ઓન તરફ શૉટ ફટકાર્યો અને થયું એવું કે સિરાજ પોતે જ એ બોલને રોકવા છેક બાઉન્ડ્રી સુધી પહોંચી ગયા. આ ઘટના જોઈ વિરાટ કોહલી અને શુભમન ગીલ પણ હસવા લાગ્યા.
3.6 આ બધા ડ્રામા વચ્ચે સિરાજે પોતાની ઓવરના છઠ્ઠા બોલે હવે સિરાજે ગુડ લૅન્થથી થોડો આગળ બૉલ નાખ્યો અને તે ડીપ થર્ડ તરફ ગયો, ધનંજયે તેને બૉડીથી દૂર રાખી શૉટ મારવાનો પ્રયાસ કર્યો અને પાછળ વિકેટકિપર કેએલ રાહુલે કૅચ પકડી લીધો.
એ હવે ચોથી ઓવર પૂરી થઈ ત્યારે 12 રને પાંચ વિકેટ ગુમાવી ચૂકી હતી.
શ્રીલંકાની ઇનિંગ્ઝ પૂરી થઈ પછી મોહમ્મદ સિરાજે કહ્યું કે,”આ એક સપના જેવું છે. ગઈ વખતે શ્રીલંકા વિરુદ્ધ મેં ચાર વિકેટ લીધી હતી પણ પાંચ નહોતો લઈ શક્યો. ત્યારે મને થયું હતું કે જે તમારા નસીબમાં હોય એટલું જ તમને મળે છે.”
“આજે મારા નસીબમાં આ હતું, એટલે મને મળ્યું. મને આગળની મૅચમાં આટલા સ્વિંગ નહોતા મળ્યા. હું બૅટ્સમૅનોને રમવા પ્રેરિત કરવા માગતો હતો. એ સંતોષજનક છે કે મને આઉટસ્વિંગર્સની સાથે વિકેટ મળી કારણ કે સામાન્ય રીતે મને આવી સ્થિતિમાં વિકેટ નથી મળતી.”

હાર બાદ શ્રીલંકાના કપ્તાન શું બોલ્યા?

ઇમેજ સ્રોત, ANI
ભારત તરફથી 51 રનનો પીછો કરવા ઓપનિંગ કરવા શુભમન ગિલ અને ઇશાન કિશન ઉતાર્યા હતા. ઇશાન કિશને 18 બૉલમાં 3 ચોગ્ગા ફટકારી 23 રન નોઁધાવ્યા જ્યારે શુભમન ગિલે 19 બૉલમાં 6 ચોગ્ગા ફટકારી 24 રન નોંધાવ્યા અને ભારતે એક પણ વિકેટ ગુમાવ્યા વગર આ ટાર્ગેટ માત્ર 7 ઓવરમાં જ પૂરો કરી દીધો.
શ્રીલંકાની આ પ્રકારની હાર બાદ કપ્તાન દાસુન શનાકાએ પ્રતિક્રિયા આપી હતી, “આ સિરાજનું અવિશ્વસનીય પ્રદર્શન હતું. તેમણે જે રીતે ગૅમને વળાંક આપ્યો એ અદ્ભુત હતું. હું વિચારતો હતો કે આ પીચ બેટિંગ માટે સારી છે. પરંતુ જે પ્રકારે વાતાવરણ બદલાયું અને આ ખરેખર અઘરો દિવસ હતો, ખૂબ અઘરો. અમારો પ્રયાસ સારો હોવો જોઈતો હતો, જોકે સકારાત્મક બાબત એ કહી શકાય કે અમારા મધ્યમક્રમના બૅટ્સમૅને દબાણ હોવા છતાં સારો પ્રયાસ કર્યો”

ભારતની વિરુદ્ધ વન-ડે મૅચમાં શ્રીલંકાનો સૌથી ઓછો સ્કોર
- 2023 : 50/15.2
- 2023 : 73/22
- 1984 : 96/24.4
- 2013 : 96/41
- 1998 : 98/39

વરસાદના કારણે મૅચ શરૂ થવામાં વિલંબ થયો

ઇમેજ સ્રોત, ANI
રવિવારે શ્રીલંકાના કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહી હતી.
વરસાદને કારણે મૅચ શરૂ થવામાં વાર લાગી. શ્રીલંકાએ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. પરંતુ ટૉસ થયા બાદ વરસાદ શરૂ થઈ ગયો.
જ્યારે ટૉસ થયો હતો ત્યારે આકાશ ચોખ્ખું હતું. જ્યારે શ્રીંલકાએ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો તો એવી આશા નહોતી કે શરૂઆતના ચાર ઓવરમાં અડધી ટીમ પેવેલિયન પહોંચી જશે.
ભારતીય બૉલર્સ શ્રીલંકાના બૅટ્સમૅનો પર પ્રભાવી રહ્યા.
મોહમ્મદ સિરાજે ચોથી ઓવરમાં ચાર વિકેટ ઝડપી, જેણે સમગ્ર મૅચની દિશા અને દશા જ બદલી નાખી અને મૅચ ભારતના પક્ષમાં આવી ગઈ.
છઠ્ઠી ઓવરમાં સિરાજે પોતાની પાંચમી વિકેટ ઝડપી, જસપ્રીત બુમરાહે પહેલી જ ઓવરમાં એક વિકેટ ઝડપી ભારતને મજબૂત શરૂઆત આપી હતી.

જય શાહે એશિયા કપ માટે કરી મોટી ઘોષણા

ઇમેજ સ્રોત, ANI
બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે ક્રિકેટના ‘અનસંગ હીરો’ માટે ઇનામની જાહેરાત કરી છે. જય શાહે સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર લખ્યું કે એશિયન ક્રિકેટ કાઉંસિલ અને શ્રીલંકા ક્રિકેટના એશિયા કપ 2023 દરમિયાન પીચ અને ગ્રાઉન્ડ પર કામ કરનારા કામદારોને પચાસ હજાર ડૉલર એટલે કે લદભગ 41 લાખ રૂપિયા રોકડ આપવાની યોજના બનાવી છે.
જય શાહે કહ્યું કે, “તેમની અવિરત પ્રતિબદ્ધતા અને સખત મહેનતે એશિયા કપ 2023ને ક્યારેય ન ભૂલી શકાય એવી ઇવેન્ટ બનાવી દીધી છે. પીચની ગુણવત્તાથી લઈને હરીયાળી આઉટફિલ્ડ સુધી, તેમણે ધ્યાન રાખ્યું કે રોમાંચક ક્રિકેટ એક્શન માટે મંચ તૈયાર રહે”
“આ રોકડ રાશિ ક્રિકેટની સફળતામાં આ વ્યક્તિઓની મહત્ત્વપૂર્ણ ભૂમિકાને દર્શાવે છે. આવે એમની મહાન સેવાઓની ઉજવણી કરીએ અને તેમનું સન્માન કરીએ.”

મોહમ્મદ સિરાજની વિસ્ફોટક બૉલિંગ જોઈ ત્યાં હાજર ભારતીય ફૅન્સ શું બોલ્યા?

ઇમેજ સ્રોત, Getty Images
મૅચ દરમિયાન મોહમ્મદ સિરાજની વિસ્ફોટક બૉલિંગ પર શ્રીલંકામાં મૅચ જોવા પહોંચેલા ભારતીય ફૅન્સ ખૂશીથી ઝૂમી ઉઠ્યા.
બીબીસી સંવાદદાતા નિતિન શ્રીવાસ્તવે આવા જ કેટલાંક ફૅન સાથે વાત કરી હતી. એક વ્યક્તિએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, “જે પ્રકારે ભારતીય બૉલર્સે આજે પ્રદર્શન કર્યું તેની આશા એક ફૅન તરીકે અમને પણ નહોતી. આજની મૅચ ભારત વિરુદ્ધ શ્રીલંકા નહીં પરંતુ શ્રીલંકા વિરુદ્ધ સિરાજની હતી.”
ફૅન્સે કહ્યું કે, “આજની મૅચ આવનારા વિશ્વકપ ટૂર્નામૅન્ટ માટે ભારતીય ટીમને બૂસ્ટ કરનારી સાબિત થશે. આ ટૂર્નામૅન્ટ વિશ્વકપ માટે ભારત વિશેની વિચારધારા બદલશે.”
જ્યારે શ્રીલંકાના ફૅન્સ નિરાશ તો થયા પરંતુ મૅચ પૂરી થયા બાદ નિતિન શ્રીવાસ્તવ સાથે વાત કરતા કહ્યું કે ટૉસ જીતીને બેટિંગનો નિર્ણય સારો હતો પરંતુ વરસાદના લીધે સ્થિતિમાં બદલાવ આવી ગયો.

શ્રીલંકાનું ખરાબ પ્રદર્શન અને સોશિયલ મીડિયાની પ્રતિક્રિયા

ઇમેજ સ્રોત, Getty Images
શ્રીલંકા વિરુદ્ધ સિરાજના વાવાઝોડાના લીધે તેમના પ્રશંસકો સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપવા લાગ્યા હતા. તો દિલ્હી પોલીસે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું કે, “સિરાજ માટે આજે કોઈ સ્પિડ ચલણ નહીં.”
આરપીજી એન્ટરપ્રાઇઝના ચૅરમૅન હર્ષ ગોયંકાએ સિરાજે નાખેલી ઓવર વિશે લખ્યું કે, “0, 0, 0, 0, 0, 0, W, 0, W, W, 4, W, 0, 0, 0, W- શું બૉલિંગ છે! માસ્ટરક્લાસ”
પાકિસ્તાની ક્રિકેટ કૉચ અને પૂર્વ ક્રિકેટર રાશિદ લતીફે કહ્યું કે, “વન-ડે ક્રિકેટ ઇતિહાસમાં સર્વશ્રેષ્ઠ ન્યૂ બૉલ સ્પેલ”
સિરાજે માત્ર 16 બોલમાં પાંચ શ્રીલંકાના બૅટ્સમૅનોને આઉટ કરી દીધા. તો મૅચની બારમી ઑવરમાં 6 વિકેટ પણ લીધી હતી.
























