ગુજરાતમાં નવા રાઉન્ડમાં ક્યાં પડશે ભારે વરસાદ? આગામી અઠવાડિયે કેવું હવામાન રહેશે?
ગુજરાતમાં 14મી ઑગસ્ટથી ફરી એક વખત વરસાદનો માહોલ શરૂ થાય તેવી શક્યતા છે. ઑગસ્ટ મહિનાના બીજા સપ્તાહ પછી વરસાદ પોતાનું હેત વરસાવે તેવી સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે બંગાળની ખાડીમાં એક સિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે, જેને કારણે ગુજરાત સહિતનાં પાડોશી રાજ્યોમાં ફરી એક વખત ચોમાસું સક્રિય થાય તેવી શક્યતાઓ નિર્માણ પામી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રવિવારે સવારના ભાગે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ ઉપરાંત કેન્દ્રશાસિત દમણ અને દાદરાનગર હવેલીમાં અનેક સ્થળોએ કલાકના 15મીમી કે તેથી વધુનો વરસાદ પડી શકે છે.
તો સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ભાવનગર, આણંદ ખેડા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ભરૂચ, નર્મદા અને છોટા ઉદેપુરમાં સવારના ભાગે અનેક સ્થળોએ પણ વરસાદની આગાહી છે.
સૌરાષ્ટ્રના રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ અને મોરબી તથા કચ્છ જિલ્લામાં અમુક સ્થળોએ દિવસ દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
વડોદરા, સુરત, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, ડાંગ, તાપી, વલસાડ અને નવસારીમાં ઉપરાંત ઉત્તર ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, બનાસકાંઠા, પાટણમાં અમુક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ ગાજવીજ સાથે પડી શકે છે.
કેન્દ્રશાસિત દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ છૂટાછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
સોમવારે તથા મંગળવારે પણ મહદંશે રવિવાર જેવું જ વાતાવરણ રહેશે, તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે રાજ્યના દરેક જિલ્લામાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

ઇમેજ સ્રોત, ANI
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



