સૈફ અલી ખાન પર હુમલો કરનાર કોણ છે, પોલીસને બાંગ્લાદેશી કનેક્શનની શંકા

ઇમેજ સ્રોત, Mumbai Police/Getty Images
ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન પર છરીથી થયેલા હુમલા બાદ પોલીસે આરોપીને પકડી લીધો છે. પોલીસનું કહેવું છે કે શંકાસ્પદ આરોપી 'બાંગ્લાદેશી' હોઈ શકે છે.
ઝોન-9ના ડીસીપી ગેડામ દિક્ષીતે પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું કે "આરોપી બાંગ્લાદેશી હોવાની શંકા છે. તેની પાસે ભારતીય દસ્તાવેજો નથી."
તેમણે જણાવ્યું કે આરોપીની ઓળખ 30 વર્ષીય મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહઝાદ તરીકે થઈ છે. તે ચોરીના ઇરાદાથી ઘરમાં ઘૂસ્યો હતો.
ડીસીપીએ જણાવ્યું કે આરોપીને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે, પોલીસ કસ્ટડી માંગવામાં આવશે અને પછી આગળ તપાસ કરાશે.
તેમણે એવું પણ કહ્યું કે આરોપીએ અગાઉ પોતાનું નામ વિજય દાસ જણાવ્યું હતું. તે બાંગ્લાદેશી મૂળનો હોવાની શંકાથી આ મામલામાં પાસપૉર્ટ ઍક્ટની કલમો પણ લગાવવામાં આવી છે. આ મામલે તપાસ ચાલુ છે.
સૈફ અલી ખાન પર ગુરુવારે પરેઢિયે બાંદ્રા સ્થિત ઘરમાં છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. ત્યાર પછી તેમને લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પોલીસના કહેવા પ્રમાણે આરોપીએ સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસવા માટે ફાયર ઍક્ઝિટની સીડીનો ઉપયોગ કર્યો હતો.
શનિવારે આરોપીને થાણેના હીરામંડી લેબર કૅમ્પમાંથી પકડવામાં આવ્યો હતો. તે વખતે તેણે પોતાની ઓળખ વિજય દાસ તરીકે આપી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસે કહ્યું હતું કે સંદિગ્ધ હુમલાખોર કેટલાક દિવસ મુંબઈ રહીને જતો રહ્યો હતો પરંતુ તે ફરીથી મુંબઈ આવ્યો હતો.
દિક્ષીત ગેડામનું કહેવું છે, "આરોપીની ધરપકડ બાદ પોલીસને ઓછો સમય મળ્યો છે. તપાસ ચાલુ છે. ખબર મળી છે કે પાંચ-છ મહિના પહેલાં જ તે મુંબઈ આવ્યો હતો. તે હાઉસકીપિંગ એજન્સીમાં કામ કરતો હતો."
આરોપી બારમાં કામ કરતો હતો

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પોલીસે જણાવ્યું કે આરોપી રિકીઝ બારમાં હાઉસકિપર તરીકે કામ કરતો હતો.
રાતે 3.30 વાગ્યે આરોપીને પૂછપરછ માટે બાંદ્રા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. હવે રવિવારે બાંદ્રા હાઇકોર્ટમાં રજુ કરવામાં આવશે.
આ ઘટનાના બે દિવસ પછી પણ આરોપીનો પતો મળ્યો ન હતો ત્યારે પોલીસે 20 ટીમ રચીને તેની શોધખોળ શરૂ કરી હતી.
17 જાન્યુઆરીની રાતે પોલીસ કેટલીક જગ્યાએથી શકમંદોને પકડીને લાવી હતી અને બાંદ્રા પોલીસ સ્ટેશનમાં તેમની પૂછપરછ કરવામાં આવી હતી. ગઈકાલે રાતે પોલીસે 15 કરતા વધુ લોકોની પૂછપરછ કરી હતી. સીસીટીવી ફૂટેજમાં આરોપીનો ચહેરો ઓળખાઈ ગયો હતો તેના આધારે શોધખોળ કરવામાં આવી હતી.
ગુરુવારે થયેલા હુમલામાં સૈફ અલી ખાનને છ જગ્યાએ ઘા વાગ્યા હતા. જેમાં તેમના કરોડરજ્જુમાં છરીનો એક ટુકડો પણ ફસાઈ ગયો હતો જેને સર્જરી કરીને દૂર કરવામાં આવ્યો છે.
અગાઉ મુંબઈ પોલીસે અજ્ઞાત શખસ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસે હુમલાખોરને પકડવા માટે 20 ટીમ બનાવી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















