ભારત પર બનેલી બે સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદ વધશે કે ઘટશે?

વીડિયો કૅપ્શન, Gujarat Weather : ભારત પર બનેલી બે સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદ વધશે કે ઘટશે?
ભારત પર બનેલી બે સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદ વધશે કે ઘટશે?
પ્રકાશિત

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અનેક વિસ્તારોમાં સારો વરસાદ થઈ રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડ્યો છે.

હાલ ભારત પર બે મજબૂત સિસ્ટમો બનેલી છે અને તેના કારણે દેશના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે.

ઝારખંડ અને તેની આસપાસના વિસ્તારોમાં એક ડિપ્રેશન બન્યું હતું જે આગળ વધતાની સાથે હવે થોડું નબળું પડ્યું છે. આ સિસ્ટમ આગળ વધીને હવે દક્ષિણ બિહાર પરથી થઈને ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધવાની શક્યતા છે. જેની અસર ગુજરાતને થવાની શક્યતા ખૂબ ઓછી છે.

આ ઉપરાંત રાજસ્થાન પર એક મજબૂત સિસ્ટમ બનેલી છે, આ સિસ્ટમ આગળ વધાની સાથે જ તે વધારે મજબૂત બનીને હવે ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે. આ સિસ્ટમને કારણે રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 15 જુલાઈના રોજ ગુજરાત રીજન અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.

સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્ય પ્રકારનો છુટોછવાયો વરસાદ થઈ શકે છે. એ સિવાય સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદની શક્યતા ખૂબ ઓછી છે.

કચ્છ જિલ્લામાં આજથી વરસાદનું જોર વધારે ઘટવાની શક્યતા છે અને આગામી ચારથી પાંચ દિવસો સુધી કચ્છમાં વરસાદની શક્યતા ઓછી છે.

ગુજરાતમાં આગામી ચારથી પાંચ દિવસ સુધી વરસાદનું જોર ઘટી જશે અને ઘણા વિસ્તારોમાં વરાપ નીકળવાની શક્યતા છે. માત્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડવાની સંભાવના છે.

હાલની સ્થિતિ પ્રમાણે અને હવામાનનાં વિવિધ મૉડલો પ્રમાણે રાજ્યમાં ફરીથી 22-23 જુલાઈની આસપાસ વરસાદનું જોર વધવાની શક્યતા દેખાઈ રહી છે. એ સમયે ફરીથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડવાની સંભાવના છે.

ગુજરાતમાં 15 જુલાઈ સુધીમાં કુલ સરેરાશના 50.80 ટકા જેટલો વરસાદ થઈ ચૂક્યો છે. જ્યારે કુલ 25 જળાશયો 100 ટકા ભરાઈ ગયાં છે અને 40 જળાશયોને લઈને હાઇ ઍલર્ટ જારી કરવામાં આવ્યું છે.

વીડિયો : દીપક ચુડાસમા

ઍડિટ : અવધ જાની

ગુજરાત, ચોમાસું, વરસાદ, પાણી, ખાતર, ખેતી, ખેડૂત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન