લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલને ભારત પહોંચતાં જ એનઆઇએએ ધરપકડ કરી, શું છે આરોપ? - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, NIA/ANI
ગૅંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અને ઘણા ગુનાહિત મામલામાં આરોપી અનમોલ બિશ્નોઈને પ્રત્યર્પણ મારફતે ભારત લવાયા છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઇએએ બુધવારે અનમોલ બિશ્નોઈની અમેરિકાથી ભારત પહોંચતાં જ ધરપકડ કરી લીધી હતી.
એનઆઇએએ પોતાની પ્રેસ રિલીઝમાં '2022થી ફરાર અને અમેરિકામાં રહી રહેલા' અનમોલ બિશ્નોઈની ધરપકડની પુષ્ટિ કરી છે.
આ પ્રેસ રિલીઝમાં જણાવ્યું છે કે એ જેલમાં રહેલા પોતાના ભાઈ લૉરેન્સ બિશ્નોઈના ટેરર સિન્ડિકેટમાં સામેલ છે અ અત્યાર સુધી આ સિન્ડિકેટના 19 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે.
એનઆઇએએ કહ્યું છે કે, "આ મામલાની તપાસમાં ખબર પડી હતી કે તેણે 2020-23 દરમિયાન દેશમાં આતંકવાદનાં અલગ અલગ કામોમાં આતંકવાદી ગોલ્ડી બરાર અને લૉરેન્સ બિશ્નોઈની મદદ કરી હતી. આ મામલાની તપાસ બાદ એનઆઇએએ માર્ચ 2023માં અનમોલ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી."
એનઆઇએના નિવેદન પ્રમાણે, "અમેરિકામાં બેસીને અનમોલ બિશ્નોઈ લૉરેન્સ બિશ્નોઈ ગૅંગ સાથે મળીને આંતક ફેલાવવા અને અપરાધ કરાવવામાં રચ્યોપચ્યો હતો. એ ભારતમાં રહેલા ગૅંગના લોકોને સૂચના આપતો. તપાસમાં એવી પણ ખબર પડી છે કે તેણે ગૅંગના શૂટરો અને પાયાના સ્તરે કામ કરી રહેલા ગુનેગારોને મદદ પહોંચાડી છે."
જેડીયુ અને ભાજપે ધારાસભ્યદળનાં નેતાનાં નામ જાહેર કર્યાં, કોની પસંદગી કરાઈ?

ઇમેજ સ્રોત, ANI
નીતીશકુમારને જેડીયુ ધારાસભ્યદળના નેતા ચૂંટી કઢાયા છે. આ જાણકારી જેડીયુના આધિકારિક ઍક્સ ઍકાઉન્ટ દ્વારા અપાઈ છે.
બીજી તરફ ભાજપના પ્રદેશાધ્યક્ષ દિલીપ જાયસવાલે જણાવ્યું કે સમ્રાટ ચૌધરી ભાજપ ધારાસભ્યદળના નેતા ચૂંટાયા છે.
દિલીપ જાયવસવાલે કહ્યું, "કેન્દ્રીય નેતૃત્વે સમ્રાટ ચૌધરીને નેતાપદ પર અને વિજય સિંહાને ઉપનેતાપદ માટે પોતાની સંમતિ વ્યક્ત કરી છે. આજે ધારાસભ્યોનો પ્રસ્તાવ આવ્યો અને તમામ ધારાસભ્યોએ આ વાતનું સમર્થન કર્યું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જેડીયુએ એક્સ પર પોસ્ટ કરી, "પટણાસ્થિત 1, અણે માર્ગમાં આયોજિત જેડીયુ ધારાસભ્યદળની બેઠકમાં સર્વસંમતિથી નીતીશકુમારને જેડીયુના વિધાયકદળના નેતા ચૂંટી લેવાય છે."
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએએ 202 બેઠકો પર જીત હાંસલ કરી છે. એનડીએમાં ભાજપને 89, જેડીયુને 85, લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ને 19, રાષ્ટ્રીય લોક મોરચાને ચાર, હિંદુસ્તાની આવામ મોરચા (સેક્યુલર)ને પાંચ બેઠકો પર જીત મળી હતી.
શુભમન ગિલ દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમૅચ રમશે કે નહીં, બીસીસીઆઈએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, DIBYANGSHU SARKAR/AFP via Getty Images
બીસીસીઆઈએ ટીમ ઇન્ડિયાના કૅપ્ટન શુભમન ગિલના હેલ્થ વિશે અપડેટ આપ્યું છે.
બીસીસીઆઈએ ઍક્સ પર પોસ્ટ કર્યું, "શુભમન ગિલને દક્ષિણ આફ્રિકાની સામે કોલકાતા ટેસ્ટમૅચમાં બીજા દિવસે ગરદન પર ઈજા થઈ હતી. દિવસની રમત પત્યા બાદ તેમને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા."
"તેમને ડૉક્ટરની નજર હેઠળ રાખવામાં આવ્યા અને બીજા દિવસે રજા આપવામાં આવી. શુભમન ગિલ પર સારવારની અસર થઈ રહી છે અને તેઓ 19 નવેમ્બરના રોજ ટીમ સાથે ગુવાહાટી જશે."
"બીસીસીઆઈની મેડિકલ ટીમ તેમની ઉપર નજર રાખશે અને બીજી ટેસ્ટમૅચમાં તેઓ રમશે કે નહીં તેમના આરોગ્યની પરિસ્થિતિ પર આધાર રાખશે."
દક્ષિણ આફ્રિકા સાથે ભારતીય ટીમની બીજી ટેસ્ટમૅચ ગુવાહાટીમાં 22 નવેમ્બરના રોજ શરૂ થશે.
બિહાર : આજે સરકાર બનાવવાનો દાવો કરશે નીતીશકુમાર

ઇમેજ સ્રોત, ANI
જેડીયુના કાર્યકારી અધ્યક્ષ સંજયકુમારઝાએ જણાવ્યું છે કે નીતીશકુમારને આજે જેડીયુના વિધાયકદળના અને એનડીએ વિધાયકદળના નેતા પસંદ કરાશે.
સંજયકુમાર ઝાએ કહ્યું, "આજે જેડીયુ વિધાયકદળની બેઠક છે, જેમાં નીતીશકુમારને વિધાયકદળના નેતા પસંદ કરવામાં આવશે. બપોરે ત્રણ વાગ્યે એનડીએ વિધાયકદળની બેઠક છે, ત્યાં તેમને નેતા તરીકે પસંદ કરાશે."
તેમણે કહ્યું, "સાંજે રાજ્યપાલને મળીને સરકારના ગઠનની પ્રક્રિયા શરૂ થઈ જશે. 20 નવેમ્બરે ગાંધી મેદાનમાં સવારે 11-30 વાગ્યે શપથ ગ્રહણ સમારોહ થશે."
બીજેપીના બિહારના પ્રદેશ અધ્યક્ષે પણ આ જ વાત કહી. તેમણે કહ્યું કે એનડીએ વિધાયકદળની બેઠક બાદ નીતીશકુમાર રાજ્યપાલ સામે સરકાર બનાવવાનો દાવો પેશ કરશે.
ધોરાજીમાં ઝાડા-ઊલટીના કેસો, શું છે કારણ?

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ઝાડા-ઊલટીના કેસો નોંધાયા છે. રાજકોટ ખાતેના બીબીસી ગુજરાતી સહયોગી બિપિન ટંકારિયાના જણાવ્યા પ્રમાણે ધોરાજીના બહારપુરા વિસ્તારમાં આવેલા પંચપીર વાડી વિસ્તારમાં અંદાજિત 20 જેટલાં મહિલા અને પુરુષોને ઝાડા-ઊલટી થતાં તેમને ધોરાજીની સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
આ મામલે તાલુકા આરોગ્ય અધિકારી પુનિત વાછાણીએ બીબીસી ગુજરાતીના સહયોગી બિપિન ટંકારિયાને જણાવ્યું હતું કે "નગરપાલિકાની પીવાના પાણીની પાઇપલાઇનમાં ભૂગર્ભ ગટરની પાઇપલાઇનનું પાણી ભળી જતાં આ રોગચાળો ફેલાયો છે. નગરપાલિકાની ટીમે આ ફૉલ્ટ શોધીને તેના સમારકામની કામગીરી હાથ ધરી છે. જે વિસ્તારમાં ઝાડા-ઊલટીના કેસો નોંધાયા છે ત્યાં પાણીના નમુના પણ લેવામાં આવ્યા છે."
આરોગ્ય વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે અને પીડિતોને રાહત આપવાના પ્રયાસો કરી રહી છે.
બિહારમાં નવા મુખ્ય મંત્રીનો શપથ ગ્રહણ સમારોહ ક્યારે યોજાશે, કેટલા ઉપમુખ્ય મંત્રી હશે, ભાજપે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બિહારમાં ભાજપ વિધાયકદળના નેતાની પસંદગી માટે ઉત્તર પ્રદેશના ઉપમુખ્ય મંત્રી કેશવપ્રસાદ મોર્યને કેન્દ્રીય પર્યવેક્ષક નિયુક્ત કરવામાં આવ્યા છે.
બિહારની નવી સરકારમાં કેટલા ઉપમુખ્ય મંત્રી હશે અને કોને કયું પદ આપવામાં આવશે, તેના પર તમામ અટકળો લગાવાઈ રહી છે.
પટનામાં મીડિયાના સવાલો પર યુપીના ઉપમુખ્ય મંત્રી કેશવપ્રસાદ મોર્યએ કહ્યું, "જે હશે...તેમ-તેમ થતું રહેશે...તમને જણાવાશે...બિહાર અને દેશ આગળ વધશે. એનડીએ મજબૂત છે."
કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજભૂષણ ચૌધરીએ કહ્યું, "આજે વિધાનમંડળની બેઠક છે. એનડીએના તમામ પ્રમુખ નેતાઓ અને વડા પ્રધાન શપથગ્રહણ સમારોહમાં સામેલ થશે. નિશ્ચિત પ્રકારે નીતીશકુમારના નેતૃત્વમાં બિહારનો વિકાસ થયો છે અને તેમણે તમામ ક્ષેત્રમાં કામ કર્યું છે."
કેન્દ્રીય રાજ્ય મંત્રી સતીશચંદ્ર દુબેએ કહ્યું, "બિહારમાં અમારી પ્રચંડ બહુમતિથી જીત થઈ છે. ઉત્સાહનો માહોલ છે. ઘણા નેતાઓ આવશે. સમારોહમાં સામેલ થશે. કેન્દ્રીય નેતૃત્વ નક્કી કરશે કે ઉપમુખ્ય મંત્રી કોણ હશે અને કૅબિનેટમાં કોણ-કોણ હશે?"
અગાઉ નીતિશકુમાર બિહારના મુખ્ય મંત્રી યથાવત્ રહેશે તેવું કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે મંગળવારે નિવેદન આપ્યું હતું. ભાજપના સાંસદ રવિશંકરપ્રસાદે કહ્યું કે શપથગ્રહણ સમારોહની તૈયારીઓમાં એનડીએના નેતા જોતરાયેલા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ગુરુવારે એટલે કે 20 નવેમ્બરે પટનાના ગાંધી મેદાનમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે. આ સમારોહમાં વડા પ્રધાન પણ આવશે અને ઘણા મુખ્ય મંત્રીઓ પણ હાજર રહેશે.
બિહારના મુખ્ય મંત્રી તરીકે નીતીશકુમાર જળવાઈ રહેશે - ગિરિરાજસિંહ

ઇમેજ સ્રોત, ANI
બિહારના આગામી મુખ્ય મંત્રીના નામને લઈને અટકળોને ફગાવતા કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે મંગળવારે કહ્યું કે મુખ્ય મંત્રી તરીકે નીતીશ કુમાર જળવાઈ રહેશે.
બેગુસરાયના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે કહ્યું કે "દરેક પાર્ટીની પોતાની પ્રક્રિયા હોય છે અને એનડીએ પણ બિહારના મુખ્ય મંત્રીની પસંદગીને લઈને બેઠકો કરશે."
દિલ્હીમાં ઇન્ડિયા ઇન્ટરનૅશનલ ટ્રેડ ફેર (આઈઆઈટીએફ)માં પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, "ખબર નહીં કેમ આવો ભ્રમ કેમ છે. મુખ્ય મંત્રી નીતીશકુમારના નેતૃત્વમાં અમે ચૂંટણી લડ્યા. આગળ પણ નીતીશકુમાર જ મુખ્ય મંત્રી રહેશે, પરંતુ તેની પ્રક્રિયા છે."
તેમણે જણાવ્યું કે "ભાજપ અને જેડીયુની અલગ અલગ વિધાયકદળની બેઠક મળશે, ત્યાર પછી એનડીએની સંયુક્ત બેઠક મળશે."
તેમણે કહ્યું કે, "એનડીએની બેઠકમાં બધા મળીને નેતા નક્કી કરશે. હું પૂરા વિશ્વાસ સાથે કરું છું કે નીતીશકુમાર જ મુખ્ય મંત્રી રહેશે."
અમેરિકન કૉંગ્રેસે ઍપસ્ટિન ફાઇલ જાહેર કરવાના ખરડાને મંજૂરી આપી

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાનાં બંને ગૃહ - હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટે જસ્ટિસ ડિપાર્ટમેન્ટના જૅફ્રી ઍપસ્ટિન સાથે સંકળાયેલી બધી ફાઇલો જાહેર કરવાના આદેશ પર મંજૂરી આપી છે.
હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સે ફાઇલો જારી કરવાની તરફેણમાં 427-1 થી મતદાન કર્યું હતું અને સેનેટે કોઈ પણ ઔપચારિક મતદાન વગર તેને સર્વસહમતિથી પસાર કર્યું હતું.
હવે આ ખરડાને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે મોકલવામાં આવશે જેનાથી તે કાયદો બનશે.
ઍપસ્ટિનને જાતીય સતામણીના મામલામાં દોષિત ઠરાવવામાં આવ્યા હતા અને 2019માં તેમનું મૃત્યુ થયું હતું.
તાજેતરમાં ઍપસ્ટિનનાં ઠેકાણાં પરથી દસ્તાવેજો મળી આવ્યા હતા જેના આધારે અમેરિકન સદનની હાઉસ ઓવરસાઇટ કમિટીએ 20 હજારથી વધારે પાનાના દસ્તાવેજ જારી કર્યા હતા. તેમાંથી કેટલાકમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પનું પણ નામ છે.
ટ્રમ્પ અને ઍપસ્ટિન વચ્ચે કેટલાય વર્ષો સુધી મિત્રતાના સંબંધો હતા. પરંતુ ટ્રમ્પનું કહેવું છે કે તેમણે 2000ના દાયકાની શરૂઆતમાં સંબંધો તોડી નાખ્યા હતા.
ભારે ટેરિફ છતાં અમેરિકામાં ભારતીય નિકાસમાં વધારો

ઇમેજ સ્રોત, Getty Images
ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપાર સમજૂતીમાં તણાવ હોવા છતાં અમેરિકામાં થતી ભારતીય નિકાસમાં વધારો થયો છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ભારે ટેરિફ નાખ્યો હોવા છતાં સપ્ટેમ્બરની તુલનામાં ઑક્ટોબરમાં ભારતીય નિકાસ 14.5 ટકા વધી છે.
ટ્રમ્પ વહીવટીતંત્રે ગઈ 27મી ઑગસ્ટે ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યો હતો. તેમાં રશિયન ઑઇલ ખરીદવા પર 25 ટકા પૅનલ્ટી સામેલ છે.
જોકે, ટેરિફ લાગુ થયા પછી ભારતના સૌથી મોટા વિદેશી બજારમાં નિકાસમાં મોટો ઘટાડો થયો હતો. પરંતુ હવે સારા આંકડા આવ્યા છે જ્યારે ભારતીય ઑઇલ કંપનીઓને અમેરિકાથી વાર્ષિક વધારે એલપીજી આયાત કરવાની મંજૂરી મળી ગઈ છે.
ટ્રમ્પે કેટલાંક કૃષિ ઉત્પાદનો પર રેસિપ્રોકલ ટેરિફથી છૂટ આપી છે જેનાથી ભારતને ફાયદો થઈ શકે છે. બંને દેશો વચ્ચે હાલમાં વેપાર સમજૂતી પર વાતચીત ચાલુ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















