ગુજરાતમાં આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં પડશે ભારે વરસાદ, રાજ્યમાં હજી પાંચ દિવસ સુધી વરસાદની શક્યતા

ગુજરાત હવામાન, ચોમાસું

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી બે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે, સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. જ્યારે ઉત્તર, પૂર્વ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ ખૂબ જ ઓછો છે.

સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં 19 જુલાઈના રોજ સવારથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ છે, ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડતાં પાણી ભરાઈ ગયાં છે.

હવે સૌરાષ્ટ્ર અને કચ્છ પર રહેલ વરસાદી સિસ્ટમ આગળ વધી છે અને તેની અસર રાજ્યના ઘણા જિલ્લાઓમાં થશે અને કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

એક તરફ આ વરસાદી સિસ્ટમ છે અને બીજી તરફ દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી એક ઑફ શૉર ટ્રફ ખૂબ જ સક્રિય છે જેના લીધે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે.

હજી ગુજરાતમાં પર એક સિસ્ટમ છે ત્યાં જ બંગાળની ખાડીમાં લૉ પ્રેશર એરિયા સર્જાયો છે અને તેની અસર પણ હવે ગુજરાતમાં થવાની શરૂઆત થશે.

ગુજરાતમાં સિસ્ટમ આગળ વધતાં હવે કયા વિસ્તારમાં ભારે વરસાદ?

ગુજરાત હવામાન, ચોમાસું

ઇમેજ સ્રોત, IMD

18 જુલાઈના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છ પર સાયક્લૉનિક સર્ક્યુલેશન હતું, આ સિસ્ટમ આગળ વધીને હવે કચ્છ અને અરબી સમુદ્રના કેટલાક વિસ્તારો પર પહોંચી છે. આ સિસ્ટમની અસરના કારણે સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વધારે વરસાદ પડ્યો હતો.

18 જુલાઈના રોજ પોરબંદર જિલ્લાના પોરબંદર, રાણાવાવ, કુતિયાણા, દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર, જૂનાગઢ જિલ્લાના વંથલી, સુત્રાપાડા, માણાવદર, વિસાવદર, ગીર-સોમનાથ જિલ્લાના પાટણ-વેરાવળ અને જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાઓમાં પાંચથી છ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.

પોરબંદરમાં 24 કલાકમાં 14 ઇંચ જેટલો વરસાદ પડી જતા અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયાં હતાં, ઉપરાંત વંથલી તથા કેશોદમાં પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળી હતી.

આગામી એકથી બે દિવસ સુધી હજી આ પ્રકારની સ્થિતિ રહેવાની સંભાવના છે અને હજી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે.

19 જુલાઈના રોજ દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર-સોમનાથ, પોરબંદર, જામનગર, રાજકોટ, મોરબી, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો તથા કચ્છ જિલ્લાના વિસ્તારોમાં ભારે તથા કોઈ જગ્યાએ અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

આ સિવાય સૌરાષ્ટ્રના બીજા વિસ્તારોમાં મધ્યમ અને તેનાથી થોડા વધારે વરસાદની શક્યતા છે, ગુજરાતના બીજા જિલ્લાઓમાં છુટોછવાયો હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની સંભાવના છે.

20 જુલાઈએ કચ્છ પરની સિસ્ટમ રાજ્યથી થોડી દૂર જતાં વરસાદનું પ્રમાણ ઘટે તેવી સંભાવના છે, જ્યારે 21 અને 22 જુલાઈની આસપાસ ફરી વરસાદનું પ્રમાણ વધે તેવી સંભાવના દેખાઈ રહી છે.

બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત પર આવશે?

ગુજરાત હવામાન, ચોમાસું

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે હાલ બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર એરિયા સર્જાયો છે અને આ વરસાદી સિસ્ટમ હજી વધારે મજબૂત બનશે અને ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે.

જો આ સિસ્ટમ હજી વધારે મજબૂત બનશે તો તેના રસ્તામાં આવતા અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે. જેમાં આંધ્ર પ્રદેશ, તેલંગણા, મહારાષ્ટ્ર અને ત્યારબાદ આ સિસ્ટમ ગુજરાતને અસર કરે તેવી સંભાવના છે.

ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની સંભવાના દેખાઈ રહી છે. આગામી દિવસોમાં રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદની શક્યતા હાલ દેખાઈ રહી છે.

હાલના ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં સરેરાશ કરતાં વધારે વરસાદ નોંધાયો છે, જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ઘણા જિલ્લાઓમાં 1 જૂનથી હાલ સુધી વરસાદની ઘટ જોવા મળી રહી છે.

1 જૂનથી 19 જુલાઈ સુધી ગુજરાતમાં સરેરાશ કરતાં 2 ટકા ઓછો વરસાદ થયો છે. જોકે, હજી રાજ્યમાં ફરી નવો વરસાદી રાઉન્ડ આવવાની શક્યતાને જોતાં વરસાદની ઘટ પુરાય તેવી શક્યતા છે.