ભારતે શ્રીલંકાને ત્રીજી ટી-20 મૅચ હરાવીને સિરીઝ પોતાને નામ કરી

ભારતની જીત

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

ભારતે રાજકોટમાં રમાઈ રહેલ ત્રીજી ટી-20 મૅચમાં શ્રીલંકાને 91 રને હરાવીને સિરીઝ પર કબજો કરી લીધો છે.

મૅચમાં સૂર્યકુમાર યાદવની અણનમ સદીના દમ પર ભારતે પ્રથમ બેટિંગ કરતાં પાંચ વિકેટ પર 228 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ 17 ઓવરમાં 137 રન બનાવીને ઑલ આઉટ થઈ ગઈ હતી.

પ્રથમ બેટિંગ કરતાં ભારત તરફથી સૂર્યકુમાર યાદવે 51 બૉલે અણનમ 112, શુભમન ગિલે 46, રાહુલ ત્રિપાઠીએ 36 રન ફટકાર્યા હતા.

સૂર્યકુમારની બેજોડ ઇનિંગ

સૂર્યકુમાર યાદવે પોતાની સદીવાળી ઇનિંગમાં સાત ચોગ્ગા અને નવ છગ્ગા ફટકાર્યા હતા.

આ ટ્વેન્ટી-20 ક્રિકેટમાં તેમની ત્રીજી સદી છે. ભારતના શુભમન ગિલ 46 રન અને રાહુલ ત્રિપાઠીએ 35 રન બનાવ્યા.

ભારતીય બૉલરોએ પણ શાનદાર પ્રદર્શન કર્યું, પાછલી મૅચમાં મોંઘા સાબિત થયેલ અર્શદીપ સિંહે માત્ર 20 રન આપીને ત્રણ વિકેટ લીધી.

હાર્દિક પંડ્યા, ઉમરાન મલિક અને યુજવેન્દ્ર ચહેલે બબ્બે વિકેટ લીધી.

આ સાથે જ ભારતે ત્રણ મૅચોની સિરીઝ પર 2-1થી કબજો કરી લીધો. ભારતે પ્રથમ મૅચ પણ જીતી હતી જ્યારે શ્રીલંકાએ બીજી મૅચમાં જીત હાંસલ કરી હતી. હવે 10 જાન્યુઆરીએ ત્રણ મૅચોની વનડે સિરીઝ રમાશે.

ગ્રે લાઇન

રાજકોટનું મેદાન અને મૅચ

ભારત વિ. શ્રીલંકા ટી-20

ઇમેજ સ્રોત, ANI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભારત અને શ્રીલંકા વચ્ચે હાલમાં ટી20 સિરીઝમાં પહેલી મૅચ મુંબઈમાં રમાઈ અને મૅચના છેલ્લા બોલે ભારે રોમાંચ વચ્ચે ભારતે બે રનથી મૅચ જીતી લીધી હતી, પરંતુ પ્રવાસી શ્રીલંકાએ વળતો પ્રહાર કર્યો અને પૂણે ખાતેની બીજી મૅચમાં તેણે પણ એવી જ શાનદાર ઢબે મૅચ જીતીને સિરીઝ સરભર કરી દીધી હતી.

રાજકોટના મેદાનના ભૂતકાળ પર નજર કરીએ તો છેલ્લા સાડા ત્રણ દાયકા કરતાં પણ વધારે સમયથી અહીં ઇન્ટરનેશનલ ક્રિકેટ રમાય છે. હવે તો આ મેદાન પર ટેસ્ટ મૅચ પણ યોજાવા માંડી છે.

રાજકોટમાં એક સમયે મહાન વિવિયન રિચાર્ડ્સે તોફાની બેટિંગ કરેલી છે. 1988ની પાંચમી જાન્યુઆરીએ રિચાર્ડ્સે સાત સાત સિક્સર ફટકારીને એ વન-ડેમાં ભારતના 221 રનના સ્કોરને સાવ વામણો બનાવી દીધો હતો અને વેસ્ટ ઇન્ડીઝે દસ ઓવર બાકી રાખીને મૅચ જીતી લીધી ત્યારે રિચાર્ડ્સે અણનમ 110 રન ફટકાર્યા હતા.

શ્રીલંકા માટે રાજકોટ હંમેશાં યાદગાર રહ્યું છે. 1989માં નહેરુ કપની વનડે મૅચ રમાઈ ત્યારે એ જ વિવિયન રિચાર્ડ્સની ટીમને શ્રીલંકાએ ચાર વિકેટે હરાવીને એ સમયનો મોટો અપસેટ સર્જ્યો હતો. ત્યાર બાદ આ જ શ્રીલંકન ટીમે ભારતને પણ એક મૅચ જીતવા માટે લોઢાના ચણા ચાવવા મજબૂર કરી દીધું હતું.

ટી20ની વાત કરીએ તો ભારતે ખંઢેરીના એસસીએ સ્ટેડિયમ ખાતે રમાયેલી ચારમાંથી ત્રણ મૅચ જીતી હતી.

છેલ્લે 2022ના જૂનમાં ભારતે આ મેદાન પર સાઉથ આફ્રિકાને 82 રનના સજ્જડ માર્જીનથી હરાવ્યું હતું.

જોકે 2017માં ન્યૂઝીલૅન્ડ સામે તેનો પરાજય થયો હતો. આ મેદાન પર અત્યાર સુધીમાં માત્ર એક જ મૅચમાં 200 રનનો સ્કોર નોંધાયો હતો.

2013ના ઑક્ટોબરમાં ઓસ્ટ્રેલિયાએ 201 રન કર્યા તેના જવાબમાં યુવરાજસિંઘે અત્યંત આક્રમક બેટિંગ કરીને ભારતને 202 રનનો ટારગેટ વટાવીને છ વિકેટથી મૅચ જીતવામાં મદદ કરી હતી.

રેડ લાઇન
રેડ લાઇન