અમદાવાદ : આઠમા માળે ઘરમાં માઇક્રોગ્રીન્સ ઉગાડીને કમાણી કરતાં મહિલાની કહાણી
અમદાવાદમાં સરખેજ-ગાંધીનગર હાઈવે પર ફલૅટમાં રહેતાં અદિતિબહેન માલીએ ઘરમાં જ વ્યવસાય શરૂ કર્યો છે અને ઘેર બેઠાં જ રૂપિયા કમાય છે.
તેમના ઘરે જઈએ તો એમ લાગે કે ઘરની અંદર કોઈ બગીચો છે કે નાનકડું વન ફ્લૅટમાં ઊભું કર્યું છે.
વિવિધ ખાનાંમાં તેમણે મૂળા, મેથી, ગાજર વગેરેના ખૂબ જ નાના એટલે કે માઇક્રો છોડ ઉગાડ્યા છે. આ એવા છોડ છે જેમાંથી મૂળા કે ગાજર ઊગવાના નથી, બલકે એ છોડ જ ખોરાકમાં લેવાય છે, જેને કહે છે માઇક્રોગ્રીન્સ.
માઇક્રોગ્રીન્સ પોષકતત્ત્વોથી ભરપૂર હોય છે અને વિવિધ પ્રકારના પર્યાવરણમાં તેને ઉગાડી શકાય છે. અદિતિ માલી પોતે મેથી, મૂળા, પાલક, મગ સહિત 15 જેટલા પ્રક્રારના માઇક્રોગ્રીન્સ ઉગાડે છે.
અદિતિબહેન સમજાવે છે કે, "માઇક્રોગ્રીન્સ વિશે ઘણા લોકોને પૂરતી માહિતી નથી. તેમને એમ લાગે છે કે શું એ કોથમીર કે ભાજી છે? પણ એવું નથી. માઇક્રોગ્રીન્સ એટલે બીજપત્ર. અંકુરિત થયેલા બીજનાં પહેલા બે પાન. જે કોઈ કઠોળ કે વનસ્પતિના બીજને રોપીને તેનાં બે પાંદડાં ઊગે તે બીજપત્ર એ માઇક્રોગ્રીન્સ છે."
અદિતિ માલી મૂળે પ્રોફેસર છે. તેઓ અર્બન ઍગ્રીકલ્ચર એટલે કે શહેરમાં ખેતીવાડી કઈ રીતે થઈ શકે તે વિષય અમદાવાદની કેટલીક કૉલેજમાં ભણાવે છે. માઇક્રોગ્રીન્સ પણ નગર આયોજન અંતર્ગત ભણાવવામાં આવતો એક વિષય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



